જીએસટી

જીએસટીઆઇએન મેળવવાની તકલીફ મુક્ત રીત – જીએસટી નંબર ફોર્મેટ, પ્રક્રિયા અને વધુ

ભારતમાં લાગુ કરવામાં આવેલી નવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ આપણે દરરોજ વિવિધ નવી નવી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. જેના લીધે સામાન્ય લોકો માટે નવી રચના અને પ્રક્રિયાઓ સમજવી મુશ્કેલ બની જાય છે. આમાંની એક પ્રક્રિયા જીએસટીઆઈએન (GSTIN) છે. આપણે બધા બિલ, રસીદો વગેરે પર આ લખેલું જોઈએ છીએ છે પરંતુ પ્રશ્ન એ થાય છે કે તે શું છે? તેનું શું મહત્વ છે? જીએસટીઆઇએન કેવી રીતે મેળવવું?

જીએસટીઆઇએન એટલે શું? :

ગુડ્સ અને સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબરનું ટૂંકુ રૂપ એટલે જીએસટીઆઈએન, તે વિવિધ ડિલરો અને સેવા પ્રદાતાઓને આપવામાં આવેલી એક અનન્ય ઓળખ નંબર છે. જીએસટીઆઈએનનો વિચાર મૂળભૂત રીતે લોકોની સુવિધા સાથે સાથે સમગ્ર દેશમાં કરવેરા પ્રણાલીમાં શામેલ લોકો અને સરકારી અધિકારીઓની સુવિધા માટે રજૂ કરવામાં આવ્યો છે.

આ પહેલાં, VAT સિસ્ટમ અંતર્ગત બધા રજિસ્ટર્ડ ડીલરોને TIN નંબર સોંપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ વિવિધ સર્વિસ પ્રોવાઇડર (સેવા પૂરી પાડતાં વેપારીઓ) ને સર્વિસ ટેક્સ રજીસ્ટ્રેશન નંબર સોંપવાની જવાબદારી સંભાળે છે. પરંતુ આ નવી કરવેરા પ્રણાલી હેઠળ, તમામ કરદાતાઓને એક જ છત નીચે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી વિવિધ વહીવટી પ્રક્રિયાઓનો માર્ગ સરળ સરળ થઈ શકે. તેથી, તમામ કરદાતાઓને જીએસટીઆઈએન – GSTIN સોંપવામાં આવશે.

જીએસટી નંબર ફોર્મેટ :

હવે, એક પ્રશ્ન આવે છે – જીએસટીઆઇએનની રચના કેવી છે? ભારતમાં તે એક રાજ્યથી બીજા રાજ્યમાં કેવી રીતે અલગ પડે છે?

જીએસટીઆઇએનગુડ્સ અને સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર એ 15 આંકડાનો એક નંબર છે, જે દરેક કરદાતા માટે અનન્ય છે. તેના પ્રથમ બે આંકડા ભારતીય જનગણના ૨૦૧૧ મુજબ જે-તે રાજ્યનો કોડ હોય છે. ભારતના દરેક રાજ્યને તેનો અનોખો કોડ આપવામાં આવ્યો છે. જીએસટીઆઈએનના આગળના દસ અંકોમાં સંબંધિત કરદાતાનો પેન નંબરનો સમાવેશ થાય છે. આગામી અંક, એટલે કે, જીએસટીઆઇએનનો તેરમો અંક જે તે વ્યક્તિની માલિકીમાં ચાલી રહેલાં તમામ બિઝનેસમાંથી જે તે બિઝનેસનો નંબર દર્શાવે છે. ચૌદમો અંક દરેક વ્યક્તિ માટે ડિફોલ્ટ રૂપથી ઝેડ હશે. જીએસટીઆઈએન (GSTIN) નો છેલ્લો નંબર લેટરમાં અથવા તો સંખ્યામાં હશે, તે મૂળભૂત રીતે એક ચેક કોડ છે. જેના પરિણામ સ્વરૂપ આલ્ફાન્યુમેરિક કોડ જે જીએસટીઆઇએન – GSTIN છે.

જીએસટીઆઇએન મેળવવા માટે તમારા વ્યવસાયની નોંધણી કેવી રીતે કરવી? :

મોટા ભાગના ઉદ્યોગપતિઓ, ડીલરો અને સર્વિસ પ્રોવાઇડર્સને જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પ્રાપ્ત કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જ્યાં સુધી તમને નવી વસ્તુઓ વિશે યોગ્ય માહિતી ન મળે ત્યાં સુધી તેની પ્રક્રિયાઓ અને આવશ્યકતાઓ વિશે ચિંતા થવી બહુ સામાન્ય બાબત છે.

જીએસટીઆઇએન (ગુડ્સ અને સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર) પ્રાપ્ત કરવાની રીત ખૂબ જ સરળ છે, એક વખત તમારી અરજી માટે જી.એસ.ટી. અધિકારી દ્વારા મંજૂરી મળે પછી તમને એક અનોખો જી.એસ.ટી. નંબર ફાળવવામાં આવશે. હવે પ્રશ્ન એ આવે છે કે ભારતમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નંબર કેવી રીતે પ્રાપ્ત કરવો? તેના માટે ક્યાં અરજી કરવી? તેના માટે જરૂરી દસ્તાવેજો કયાં છે?

તમારો જીએસટીઆઇએન (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફીકેશન નંબર) મેળવવા માટે તમારે પોતાનું રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી  કરાવવી જરૂરી છે. નોંધણી જીએસટી પોર્ટલ પર અથવા ભારત સરકાર દ્વારા સ્થાપિત જીએસટી સેવા કેન્દ્ર પર પણ નોંધણી કરાવી શકાય છે. નોંધણી કરવા માટે અનેક દસ્તાવેજોની આવશ્યકતા રહે છે જેની યાદી નીચે આપવામાં આવી છે.

• પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન).
• ભારતીય મોબાઇલ ફોન નંબર.
• ઇ- મેઇલ આઈડી.
• વ્યવસાયનું સ્થળ.
• તમામ ફરજિયાત વિગતો સાથે નોંધણીની અરજી.
• અધિકારક્ષેત્રની વિગતો.
• ભારતની બેંક ખાતાનો નંબર.
• એક જ બેન્ક અને તેની શાખાનો આઈએફએસસી કોડ.
• ઓછામાં ઓછા એક માલિક / ભાગીદાર / ડિરેક્ટર / ટ્રસ્ટી / કર્તા / સભ્યનું પેન કાર્ડ.
• એક અધિકૃત સહી કરનાર જે ભારતીય હોય અને તેની પાસે પેન કાર્ડ પણ હોય.

એક વાર એ જીએસટી નોંધણીની આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે અને જીએસટી અધિકારી તમારી અરજીને મંજૂરી આપે છે, તો તમને નિર્ધારિત જીએસટી નંબર ફોર્મેટમાં એક જીએસટીઆઈએન (ગુડ્સ અને સર્વિસ ટેક્સ આઇડેન્ટિફિકેશન નંબર) આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટીઆઇએન મેળવવા માટેની નોંધણી ફી શૂન્ય છે. તે એકદમ વિના મૂલ્યે કરવામાં આવે છે.

જીએસટી નંબર કેવી રીતે અને ક્યાંથી ચકાસવો? :

જીએસટીઆઇએનને ચકાસવા માટે તમે ઓફિશિયલ વેબસાઇટ ગુડ્સ અને સર્વિસ ટેક્સની મુલાકાત લઈ શકો છો. જેમાં સર્ચ ટેક્સપેયર વિકલ્પ પર ક્લિક કરો. સાચા જીએસટી નંબર ફોર્મેટમાં સાચો GSTIN દાખલ કરો અથવા તો UIN કરદાતા દાખલ કરો. તે પછી કેપ્ચા દાખલ કરો અને એન્ટર પર ક્લિક કરો. તમે જે વ્યવસાયનો જીએસટી નંબર દાખલ કર્યો છે તેનું નોંધાયેલ નામ ‘લિગલ નેમ ઓફ બિઝનેસ’ હેઠળ જોઈ શકશો.

જો તમે એક વેપારી અથવા સેવા પ્રદાતા છો અને તાજેતરમાં જ ઉપર દર્શાવેલ કાર્યવાહી અનુસાર જીએસટીઆઇએન મેળવવા માટે તમારા વ્યવસાયની નોંધણી કરાવી છે, તો તમને જ્યાં સુધી તમારો જીએસટીઆઈએન ન મળે ત્યાં સુધી અસ્થાયી ધોરણે એક કામચલાઉ આઈડી આપવામાં આવશે.

બનાવટી (નકલી) જીએસટીઆઇએનની જાણ કરવી મહત્વપૂર્ણ છે! :

તે સમજવું ખૂબ મહત્વનું છે કે ફક્ત નોંધાયેલા જીએસટીઆઈએન ધારકો જ જીએસટી ધોરણો હેઠળ ચાર્જ વસૂલવા માટે જવાબદાર છે. જે વેપારી, માલિકો, ડીલરો અથવા સર્વિસ પ્રોવાઇડર્સ (સેવા પૂરી પાડતાં વેપારીઓ) કે જેઓ રજિસ્ટર નથી અને જેમની પાસે જીએસટીઆઇએન પણ નથી, તેઓ જીએસટીનો ચાર્જ લગાવી શકતા નથી.

જવાબદાર નાગરિકો તરીકે, આપણને આ બધી બાબતોથી વાકેફ રહેવું જોઈએ અને જો કોઈ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફીકેશન – જીએસટીઆઈએન વગર ગેરકાયદેસર રીતે જીએસટી વસૂલ કરે છે તો આપણી જવાબદારી બને છે કે આપણે સંબંધિત અધિકારીઓને આવી ગેરકાયદે થતી પ્રવૃતિઓની જાણ કરીએ.

તમે પણ આવી કોઈ પણ બનાવટી નોંધણીઓની જાણ કરવા માટે તમે ઇ- મેઇલ આઈડીનો ઉપયોગ કરી શકો છો. જીએસટી ફરિયાદ ઇ- મેઇલ આઈડી helpdesk@gst.gov.in છે. ફરિયાદ નોંધાવવા માટે અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો માટે જુદી જુદી જીએસટી હેલ્પ લાઈન પણ છે : 0124- 4688999 અથવા 0120- 4888999 નંબર પર પણ તમે સંપર્ક કરી શકો છો.

નિષ્કર્ષ :

જીએસટીઆઈન વ્યવસાયિકો, વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે પારદર્શિતા યથાવત રાખવા માટે અને લાંબી પ્રક્રિયાઓને લીધે કરવેરા પ્રક્રિયામાં થતાં વિલંબને ઘટાડવાનું છે. હવે ઓછામાં ઓછા કાગળની કાર્યવાહીની સામે લગભગ બધું જ ઓલાઇન ઉપલબ્ધ છે.

એક વખતની નોંધણી વ્યવસાય માલિકો માટે અનેક વસ્તુઓ સરળ બનાવે છે. જીએસટીઆઇએન એ નોંધાયેલા વ્યવસાય માલિકો, સેવા પ્રદાતાઓ અને ડીલરોને આપવામાં આવેલી ઓળખ સિવાય બીજું કંઈ નથી. સૂચિત જીએસટી નંબર ફોર્મેટ કરવેરા પ્રણાલીમાં એકરૂપતા લાવે છે.

જીએસટીઆઈએનની નોંધણી પ્રક્રિયા અને ખ્યાલને સમજવા ખૂબ જ સરળ હોય છે અને તેની ડિઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે જેથી જીએસટીઆઈએન ધારકોને ઓછી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તમે પણ પોતાના બિઝનેસની નોંધણી કરાવો અને મુશ્કેલી વિના શક્ય તેટલું વહેલું તમારો જીએસટીઆઈન પ્રાપ્ત કરો.